शुभ् स्वागतम्

Babubhai in london

શ્રી બાબુભાઇ વ્યાસ

એકાંકી “ટીડા જોશી”
“ટીડા જોશી”
યંગ ક્લબ ધ્વરા ભજવાયું એકાંકી
લેખક અને દીર્ગદર્શક શ્રી બાબુભાઇ વ્યાસ

1940 કે 50 નાં દાયકા ના સમય નું એક ગુજરાત માં આવેલું ગામડું, જ્યાં બધા પોતાના હુન્નર થી ઓળખાય અને એ બધાની વચ્ચે એક અઠંગ જોષી મહારાજ, બધાને ઊંઠાં ભણાવી પોતાનું પોટીયું રળે. એવા એક ટીડાજોશી ની વાત,
યંગક્લબે પહેલી વખત 1950 નાં નવેમ્બર ની 20મી તારીખે ભાવનગર ખાતે એ.વી. સ્કુલ ના હોલમાં ભજવ્યું…
પાત્ર સૂચિ અને ભાગ લેનાર કલાકારો:
ટીડા જોષી – શ્રી નરહરિ ભટ્ટ
નિર્મળા / નીમુ – ડો. નિર્મળા મહેતા
કાનો રબારી : શ્રી જશુ ઓઝા
તભો : શ્રી ચંદ્રકાન્ત રાજ્યગુરૂ (ઝંડુભાઈ)
શિવરામ ટપાલી : શ્રી જયંત પંડ્યા
જમાલ: શ્રી વિનુભાઇ શેઠ
નાનજી લુહાણો : શ્રી મહેન્દ્ર શેઠ
માસ્તર : શ્રી કાન્તિભાઈ ભટ્ટ
ચુનીલાલ મોદી : ચંદ્રકાન્ત શેઠ
ડાયો : શ્રી જિતેન્દ્ર અંધારિયા
મોહન પટેલ: શ્રી દિનેશ પાઠક
સ્થળ – ટીડા જોશી નું ઘર
પડદો ખુલતાં એક સામાન્ય ઘરની પરસાળ દેખાયછે, પરસાળ માંથી ઘરના ઓરડામાં જવાનું કમાડ દેખાય છે, જમણી બાજુ ઘરમાં પ્રવેશ માટે દરવાજો અને એક બારી, ભીંત પર ભગવાનની છબીઓ લટકાવેલી છે, સાથે ડાબી બાજુના ભાગમાં દિવાલ પર હસ્ત રેખા અને બીજું કુંડળી દર્શાવતાં બે પોસ્ટરો લટકે છે. તેની નીચે એક ખાટલીમાં તકીયે અઢેલી લાબા પગે ટીડાજોશી બિરાજમાન છે, તેમણે માથે કાનટોપી, આંખે એક દાંડલા વાળા ચશ્મા, શરીરે ખાદી નો ભગવો ઝભ્ભો, ગાળામાં રૂદ્રાક્ષની માળાઓ અને હાથમાં ટીપણું છે.

અત્યારે કાનો રબારી જોશ જોવડાવી રહ્યો છે, તેણે સામાન્ય રીતે પહેરતાં ભરવાડના કપડાં પહેર્યા છે, ડાંગ બાજુમાં મુકી ઉભડક બેઠાછે, જમણી તરફ તભો વાળંદ – હજામત કરવાનાં સાધનોની પેટી સહિત જોશ જોવડાવવાની વાટ જોતો બેઠો બેઠો ઝોકાં ખાય છે,
ટીડા જોષી : (આંગળીનાં વેઢા ગણાતા) ધન….મકર। …કુંભ .. મીન …. અને મેષ….હં…જો કાના, આ પાંચ ગ્રહો છે તે એક થાનકે ભેગા થયા છે. કહે જોઈએ પાંચ જણ ભેગા થાય એને શું કહેવાય?
કાનો: બાપા, પંચ ભેગું થયું કહેવાય ..
ટીડો : ને પંચ ક્યારે ભેગું થાય ?
કાનો: કો’કનું લખણું કરી આપવાનું હોઈ કે લગન કરવાના હોય તો…
ટીડો : હં….ત્યારે જો તારે લખણાનો નહીં પણ લગનનો યોગ છે.
કાનો: તો …..તો…તમારા મોઢામાં ગોળ બાપા…!
ટીડો : એમ બોલ્યે કાંઈ મોઢામાં ગોળ આવી જવાનો હતો ? મુક્ય એક આનો …
કાનો: એ લ્યો બાપા …(એક આનો કાઢીને આપેછે)
ટીડો : (ફરી ટીપણું જોતાં) રાહુ-કેતુ – વક્રતામ હં…..જો કાના, આ રાહુ અને કેતુની દૃષ્ટિ તારા પર વક્ર કહેતાં વાંકી પડે છે.
કાનો: તે એથી શું થાય?
ટીડો : જ્યારે ગ્રહોની વાંકી નજર માંડે ત્યારે બાયડીયું સીધી નજર માંડે, મતલબ કે તારા ઉપર કો’ક રબારણ ની મીઠી નજર મંડાઈ હોવી જોઈએ.
કાનો: હાચું મા’રાજ, પણ જરા જોઈ દોને કે એ માધાપટેલના પરમાણંદની લખમી જ છે ને?
ટીડો : (ટીપણા માં જોતાં) મૂકં કરોતિ વાચાલં …એટલેકે કો’કની કુંવારી દીકરીનું નામ એમ નો લેવાય, ને પાછું પંગુમ્ લંઘય તે ગીરમ્ …….એટલે કે જો એમ કરીયે તો કોક આપણા ટાંટિયા ભાંગી નાખે …અને યત કૃપા તમહં – એની તમારા પર તો જ મહેરબાની થાય – જો વંદે પરમાનંદ માધવમ્ – ઈ માધા પટેલના પરમાણંદને પગે હાથ નાખીયે તો એની કૃપા થાય – બોલ્ય – બધું સમજ્યોને?
કાનો: સાવ હાચું કીધું બાપા, ઈ તો વહેવારની વાત છે.
ટીડો : તો ઠીક…આગળ સાંભળ … યદા યદા હી ધર્મસ્ય, એટલેકે ઈ ભીને વાન છે? (કાનો માથું ધુણાવી હા કહેછે) ગ્લાનીતે ભવતિ ભારત ? (કાના સામે જોઈને) જરા ઉંચી છે ? અભ્યુત્થાનં તદાત્માનં, તદાત્માનં અભ્યુત્થાનં – મતલબકે એની ઉંમર સોળ વરસની આસપાસ છે ?
કાનો: બાપા, ઉંમરની ખબર કેમ પડે?
ટીડો : માળા મુરખ, પ્રાપ્તેષુ ષોડશે વર્ષે ગર્દભી અપ્સરા ભવેત – બોલ શું સમજ્યો ?
કાનો: તમે કોક અપ્સરાનું નામ લીધું હોઈ એમ લાગ્યું ..
ટીડો : હં – હવે આવડ્યું – જો કાના, તું રોજ અહીં આવેને તો તને બધાં શાસ્તર ભણાવી દઉં.
કાનો: ઈ તો બાપા નવરાશે આવીશ; પણ પછે ઓલા રાહુ અને ખેતુ ઈ બધાં શું કે છે?
ટીડો : ઈ કહેછે કે આ ગ્રહોની ગણતરી મુજબ ઇ ત્યાં ભરવાડ વાડામાં જ રહેતી હોવી જોઇએ.
કાનો: સાવ સાચું કીધું મા’રાજ ! ઇવડી ઈ ત્યાં ભરવાડ વાડામાં જ રહેછે, ઓલી નંદુ કાછિયણ ના ઘરની પાંહે, એના બાપે હમણા જ માથે મેડી ચણાવી છે અને….
ટીડો : (વચ્ચેથી) એલા એય! આ જોશ હું જોઉં છું કે તું?
કાનો: તમે જૉવોછોને બાપા! અમને ક્યાંથી આવડે?
ટીડો : તયેં વચ્ચે ડબડબ શું કર છ? આ ટિપણાં માં બધુંય લખ્યું હોય, ઇ નંદુકાછિયણ…લખમી.એનો બાપ -મેંડી- બધુંય લખ્યું હોય – આમ ઊંધું કરુંને તો ઇ બધાંય ઊંધા પડી જાય, ઇ તો તારી સારૂ થઈને ટીપણું ચત્તુ રાખું છું – શું સમજ્યો?
કાનો: હવે બાપા નહીં બોલું હાઉં ! પણ ટીપણું ઊંધુ નો કરતા.
ટીડો : જો ત્યારે…. આ રાહુ, કેતુ, મંગળ અને બુધ – લગન નો જોગ છે – ઇ લખમી નાં નસીબમાં એક લોંઠકો અને દેખાવડો ધણી છે.
કાનો: (શરમાતાં) તે હેં બાપા, આ હું લોંઠકો ને દેખાવડો નો કેવાઉં ?
ટીડો : અરે તારી પાસે તો કામદેવ પણ પાણી ભરે, સમજ્યો ?
કાનો : ના રે બાપા, મારે બીજા કોઈ આગળ પાણી નથી ભરાવવું – ઇ લખમી મારા ઘર નું પાણી ભરશે કે નહીં એ જોઈ દ્યો ને!
ટીડો : (હસતાં) કરપુરગવરમ્ કરૂણાવતારમ એટલે કે પાણી ભરાવવું કે ગા દોવરાવવી એ તારે જોવાનું છે શું સમજ્યો? લગન કરવા હોય તો આમ હાથ પગ જોડી ને બેસી રહે કંઈ નહિ વળે.
કાનો : તે હાથ-પગ તો બાપા છૂટા જ છે ને !
ટીડો : અરે તું તો સાવ ગાયના ભાઈ જેવો છે.
કાનો : આખું જીવતર જેની જેની હારે રહીએ એની હારે એટલું સંગપણ તો રહે જને !
ટીડો : કાના, તારી વાત બહુ ઓછા માણસો સમજી શકે તેવી છે.
કાનો : તે એવા કમઅક્કલ માણસો પાંહે હું વાત નો કરું હો – આ તો તમે છો એટલે કીધી .પણ હેં બાપા, તમે કાંઈ રસ્તોતો નો બતાવ્યો હો !
ટીડો : શાન્તાકારમ્ ભુજગશયનમ્ – એટલે કે તારે તો બધું જાણી જવું હશે કેમ?
કાનો : બાપા, તમે કેટલું બધું જાણો છો તયેં હું આટલું યે નો જાણું?
ટીડો : અરે હે ગર્ધભ ! તું જરા વિચાર તો કર ! મારી જેવાં શાસ્તર ભણવાં એ કાંઈ મામૂલી વાત છે? તને જે આ ટીપણું દેખાય છે ને, તેમ મને તારું ભવિષ્ય દેખાય છે. તારુંજ શું ? ઈ લખમીનુંયતે અને એના બાપનું પણ.
કાનો : ગોરબાપા, તમે નો જાણો તો કોણ જાણે ? તમારી જેટલી વિદ્યા અમને કાંઈ થોડી આવડે?
ટીડો : કમાવા ધારૂં તો હજારો રૂપિયા કમાઈ શકું – પણ મને હજારનો આંકડો પસંદ નથી, હું તો તમ જેવા લોકોની સેવા કરવા માટે અહીં બેઠો છું.
કાનો : હા બાપા, તમારા જેવી સેવા કોઈ થી ન થાય.
ટીડો : હું તો ગ્રહ જોઈને જેના નસીબમાં સારું થવાનું લખ્યું હોઈ એને જ કહું છું, જેના નસીબમાં ભમરો હોય તેને શું કહેવું? એટલે મૂંગો રહુ છું – ક્યારે બોલવું અને ક્યારે મૂંગા રહેવું એ દુનિયામાં બે જ જણા સમજ્યા છે, એક હું જોશી ટીડારાજ અને બીજો ઓલ્યો વાલ્મિકી ઋષિ …
કાનો : (અધીરો થતા) પણ બાપા તમે ઓલી સારું થઈને રસ્તો તો ન બતાવ્યો હોં .
ટીડો : બોલ, હું કહું તેમ કરીશ?
કાનો : અરે તમે કયો એમ – ઈ લખમી સારું તો આખોને આખો કુરબાન થવા તૈયાર છું.
ટીડો : આખા કુરબાન થવાની જરાય જરૂર નથી – કાના ! માત્ર એક પાવલું ને સોપારીને કુરબાન કરી નાખ એટલે પત્યું.
કાનો : (પાવલી આપતા) લ્યો બાપા, આ પાવલું – ને સોપારી તો નથી.
ટીડો : કઈ નહીં – એક આનો વધુ કુરબાની માં મૂકી દે. (કાનો એક આનો આપે છે – પછી) આતો પાડોશીનો દિકરો એટલે પાંચ આને પતાવ્યું, બીજો હોઈ અને તારી જેવો કેસ હોઈને તો સીધો સવા રૂપિયો ઓકાવું!
કાનો : તમે તો અમારા ગોરબાપા કેવાઓ !
ટીડો : એટલેજ ને – જેવા તેવાને તો હું જોઈ દેતો જ નથી.
કાનો : તે તમારે પગે હવે કેમ રે છે?
ટીડો : એમનું એમ, મારે પણ હમણાં પનોતી છે – શુક્કરની મહાદશામાંથી શનિની વક્રદશામાં આવ્યો છું.
કાનો : તે તમને તમારી બધી ખબર પડે?
ટીડો : (ખીજાતાં) મારી શું મારા બાપાની પણ ખબર પડે. ટીપણું જોતાં આવડવું જોઈએ, શું સમજ્યો?
કાનો : બધુંય હમજી ગ્યો; તાણે હવે જાઉં?
ટીડો : જા, ને જો કાલે સવારમાં આવજે એટલે વશીકરણ નું માદળીયું કરી આપીશ .
કાનો : વાશી શું કામ? તાજી ક++રેણ હું લેતો આવીશ .
ટીડો : ઠીક, જા હવે જા , (બહાર જતા કાના ને સંબોધીને) સાલો ડફોળ નહીતો! (તભા તરફ ઘરવાળી જોઈને) તરભોવન…..એય તરભોવન….(જોરથી) તભા એલા તભલા !એમ
તભો: (જાગતોહોય તેમ) મને બોલાવ્યો બાપા ? (ઊભોથઇ પાસે જતા) એ આવ્યો બાપા .
ટીડો : શું ઝોલે ગયો તો?
તભો: ના રે બાપા, આતો જરા કાગાનીંદર જેવું હતું જેવું હતું અને ત્યાં મને સંભળાંણું કે તમે મને ડફોળ કીધો.
ટીડો : અરે તને તો ડફોળ કૈ’વાઈ – માળા મૂરખ ? બોલ્ય હવે, તારું ઘર બરોબર ચાલે છે ને?
તભો: મને શી ખબર ? ઈ પુછવા તો આવ્યો છું.
ટીડો : કેમ શી ખબર? ગયે બુધવારે મેં કહ્યું તું તેમ કર્યું તું કે નહિ?
તભો: તમે કીધું તું એમ જ કર્યું’તું બા?પા.
ટીડો : બોલ શું શું કર્યું તું ?
તભો: ઘરે જઈને કમાડ વાસી દીધાં – પછી કાળા મોરિયામાં ઓતરાદા કુવામાંથી આથમણી કોર મોઢું રાખી પાણી સીચ્યું – પછી આવળના નવ પાંદડાં લીધાં ને તમે કીધું’તું એમ મારી ઘરવાળીને વચ્ચોવચ્ચ બેસાડી ફરતી મોરિયાના પાણીની ધારાવડી દીધી – સાત ફેરા ફરી અડદ નાં દાણા નાખ્યા અને ત્રણ ફેરા અવળા ફર્યો .
ટીડો : ત્રણ ફેરા અવળા ફર્યો ?
તભો: તમે ત્રણ ફેરા કહ્યા તા ને?
ટીડો : (યાદ કરતો હોઈ એમ) હા….હા….બરાબર, પછી શું થયું?
તભો: પછી રાઈ મીઠું લઇ દેવતામાં નાખ્યું અને તમારા કીધા પ્રમાણે તડતડાટી થઈ રહી પછી ત્રણવાર ઘરવાળીનું નામ હું આસ્તેથી બોલ્યો….મણી….મણી….મણી.
ટીડો : (ઉત્કંઠાથી) પછી શું થયું ?
તભો: ખાસ કાંઈ નહીં, પણ ઘરવાળીએ કીધું કે ” તમે તે કંઈ ગાંડા થયા છો?”
ટીડો : અને એટલે તું ગાંડા ની જેમ અટકી ગયો કેમ?
તભો: હા બાપા.
ટીડો : ચાલો, સારું થયું.
તભો: તે એમાં સારું શું થયું બાપા?
ટીડો : કમઅક્કલ, જો તેં એમ ન કર્યું હોત તો ખબરછે શું થાત?
તભો: બાપા, જોષ તો તમે જુઓ છો, મને એવી ક્યાંથી ખબર પડે?
ટીડો : તે દિવસે તું બહાર ગયો હતોને?
તભો: ઓલ્યા વનેચંદનું વત્તું કરવા ગયો’ તો.
ટીડો : તે જ દિવસે અને તેજ વખતે ઓલ્યા રુપજી નો કૂતરો હડકાયો થયો હતો. ખ્યાલ છે? (તભો ડોકાવતી હા પાડે છે) એ તને કરડત…
તભો: સાચે સાચા મને કઇડીખાત?
ટીડો : તો તને નહી તો શું મને કરડવાનો હતો? તને જ કરડત…તારો કાન કૈડી ખાત. લોહી નીકળતે કાને તારે ઘરે આવવું પડત અને બધા તને કાનકટ્ટો કહેત ઈ નફામાં !
તભો: (ગભરાયેલા અવાજે) તારે તો હું બચી ગયો એમ ને!
ટીડો : ઈ તો મેં કીધીતી ઈ ક્રિયા કરીને એને લીધેજ બચ્યો.
તભો: અરે બાપા તમારી તો બહુજ મહેરબાની છે.
ટીડો : હું તો ગામલોકોની સેવા માટે હાજરાહજુર બેઠો જ છું. પણ તમને કોઈને ક્યાં કંઈ પડીછે?
તભો: અરે એવું તે હોઈ બાપા ! તમારે સારુ તો જી ક્યો ઇ કરવા તૈયાર છીએ.
ટીડો : વધુ કંઈ નહીં ફક્ત એક પાવલી મેલી ડી અને મારે તારી સાટુ જાપ કરવા પડશે એનું એક સોપારી.
તભો: (પૈસા આપતા) ગોરબાપા, આ પૈસા તો છે પણ સોપારી નથી.
ટીડો : તો વાંધો નહીં એક આનો વધુ બાળ્ય.
તભો: (ઉભોથતાં) એ લ્યો બાપા – હવે હું જાઉં……મારે પાછું વત્તું કરવા જાવું છે.
ટીડો : ને જો તભા ! તારી ઘરવાળીને ખેતરપાળની ચોંટ લાગીછે. એમાં તને ગાંડો કહે છે, શું સમજ્યો? નીકર કોઈ ઘરવાળી પોતાના ધણી ને ગાંડો કહે?
તભો: ઈ તમારી વાત સાચી, તો એમાં બાપા કાંક ઉપાય બતાવોને!
ટીડો : ઉપાય તો મારી પાસે એકસો ને એક છે, પણ સો ઉપાય તને આવડે એવા નથી એટલે એક ઉપાય તને કાલે બતાવીશ.
તભો : ઠીક ત્યારે જાઉંછું બાપા (જાય છે)
ટીડો : એ આવજે તભા – (થોડી વાર પછી) નિર્મળા ! ઓ નિમુ ……
નિર્મળા : (અંદર થી આવતાં) કેમ દાદા શું કામ છે?
ટીડો : આજ વાળુ શેનું કરવાનું છે?
નિર્મળા : અરે હજી આરતી ટાણું તો થયું નથી ત્યાં વાળુ ની વાત ક્યાં લાવ્યા ?
ટીડો : દીકરી, આજે તો અત્યારમાં સારી પેઠ કમાણો.
નિર્મળા : દાદા, હવે તમે હદઉપરાંત ફેંક્યે રાખો છો. હવે બહુ થાય છે.
ટીડો : તું જો તો ખરી ! આવતે અઠવાડીયે તારી ભણવાની ચોપડીઓ લઇ દઈશ.
નિર્મળા : ગરીબ માણસોને લૂંટવા એ સારૂં કામ નથી. કોણ હતા એ બે?
ટીડો : એક કાનો રબારી અને બીજો ઓલ્યો તભલો વાળંદ. બે માંથી એકેયને પાંચ પાંચ આના આકરા પડે તેમ નથી.
નિર્મળા : જેવી તમારી મરજી, પણ ઉપરવાળો આવું નહીં સાંખે.
ટીડો : ઉપરવાળો તો ભક્તો નો દાસ છે દાસ. તે દી’ ઓલ્યા સ્વામીજી નોતા કેતા?
નિર્મળા : કૈ’તા તા, પણ આવી રીતે નહીં, આ તો લૂંટ જ કહેવાય.
ટીડો : જો બેટા, તને એક વાત કહું, આ હરીફરી શકે તેવા લોકો કેટલું કમાય છે? અને હું , તદ્દન વાએ રહી ગયેલા પગ વાળો અપંગ, મારે પણ ખાવા માટે કમાવું તો જોઈએ ને?
નિર્મળા : પણ આવી રીતે હોય ? એમતો ગંગા ડોસી પણ ચાલી શકતાં નથી છતાં ભરે, ગૂંથે, ગોદડાં સીવે વગેરે બધું કરે છે ને?
ટીડો : તારે તારા દાદા પાસે હવે ગોદડાં સીવડાવવાં હશે? હું એવો હલકો ધંધો નહીં કરું. ભગવાને મારા પગ લઇ લીધા છે તે એટલા માટે કે હું મારી બુધ્ધિ વાપરું.
નિર્મળા : તો વાપરો, પણ વધારાએ પડતી વપરાઈ જશે તે દી પસ્તાશો.
ટીડો: પસ્તાઉં શું કામ?
નિર્મળા : આ તમારો મથુરદાસ માસ્તરનો જોષ ખોટો પડયો ને..?
ટીડો: માસ્તરને વળી મેં કે દી’ જોષ જોઈ દીધો તો?
નિર્મળા : કેમ નથી સાંભરતું? તમે એને કહ્યું તું કે તું મરી જવાનો છો.
ટીડો: મરી જવાનો છો? ને મેં કીધુંતું ? ક્યારે?
નિર્મળા : તે દિવસે ચૌદસની રાતે. શિવરાત્રી હતી, તમે ભાંગ પિધી’તી.
ટીડો: પછી?
નિર્મળા : ભાંગ પીધા પછી તમે શું બોલો છો એ મારે ન સંભારવું એમ તમે મને કહેલ છે.
ટીડો: ઈ વાત જવા દે, શું બન્યું તું એ કહે.
નિર્મળા : જુઓ, તે દિવસે તમે ભાંગ જરા વધુ પ્રમાણમાં લીધી’તી. પછી સાંજના બધા તમારી પાસે બેસવા આવ્યા. બત્તીઓ થવા માંડી ત્યારે તમે ખૂબ હસ્યા – પછી માસ્તર મથુર તરફ આંગળી ચીંધીને કીધું કે હે માથુર ! સોમવારે આ ટાણે તને જમરાજનું તેડું આવશે. અને પછી પાછા હસ્યા, ખડખડાટ.
ટીડો: એ હસવાની વાત જવાદે……પણ સાચે જ મેં એવું કહ્યું હતું?
નિર્મળા : ત્યારે નહીં? મેં કાનોકાન સાંભળેલું.
ટીડો: (વિચાર કરતાં) હં, …..આજે ક્યો વાર?
નિર્મળા : મંગળવાર.
ટીડો: (ગભરાતાં) શ્રી ક્ર્ષ્ણ શરણ્ મમ્ …શ્રી ક્ર્ષ્ણ શરણ્ મમ્ …
નિર્મળા :એમાં ગભરાઓ છો શું ? એ કાંઈ મરી નથી ગયો.
ટીડો: ક્યાંથી મરે ? મારો જોષ સાચો પાડવા એ આપઘાત તો નો જ કરે! …..પણ નિમુ , તૅ કેમ જાણ્યું કે તે મરી નથી ગયો ?
નિર્મળા : મેં એને બજારમાં જોયોતો।
ટીડો : તો પછી તેં મને કેમ કીધું નહીં?
નિર્મળા : મને એમ કે સવારે જીવતો હોઈ અને બાયોરે આંખ મીંચાઈ તો !
ટીડો : મને એ વાત યાદ જ ન રહી. ઉભી રહે, સંભારવા દે, (વિચાર કરતો હોઈ તેમ) હં, ઓલો ચુનીલાલ મોદી એની હારે હશે. (નિર્મળા માથું હલાવી હા કહે છે) પણે બેઠૉ તો?
અને મોહન પટેલ, શિવરામ ટપાલી ને જમાલ એકાવાળો બધા હતા?
નિર્મળા : હા, બધાય.
ટીડો : અને દીવા ટાણું હતું?
નિર્મળા : હું દીવો પેટાવવા જ જતી હતી.
ટીડો : હા, હવે યાદ આવ્યું .
નિર્મળા : દીવાટાણે કોઈને એવું તો કહેવાતું હશે?
ટીડો :દેવ જાણે, મારા થી કેમ આવું બોલાઈ ગયું !
નિર્મળા : ને માસ્તરતો બિચારો ધોળી પૂણી જેવો થઇ ગયોતો. ન બોલે કે ન ચાલે,
ટીડો : શ્રી ક્ર્ષ્ણ શરણ્ મમ્ …ભેંસ નાં શીંગડા માં પગ બરોબર ભરાયા છે. પણ નીમુ, હવે તે લોકો ભૂલી ગયા નહીં હોય ?
નિર્મળા : ભૂલી તો ક્યાંથી જાય ?
ટીડો :એમને ખબર ખબર નો’તી કે મેં ભાંગ પીધી છે ?
નિર્મળા : વાત તમે શું પીધું એની નથી, તમે શું કીધું એની છે, હું પણ ગભરાય ગયેલી ને…..
(બહારથી ચાર- પાંચ જણનો હસવાનો અને વાતચીત નો અવાજ આવેછે)
ટીડો :આટલો બધો અવાજ કોણ કરે છે ?
(નિર્મળા બારી પાસે જાય છે)
નિર્મળા :(બારી બહાર જોઇને) આ તો એ બધા છે. એમાં ઓલ્યો મથુરદાસ માસ્તર પણ છે. લહેરથી ચાલ્યો આવે છે. નખમાંય રોગ દેખાતો નથી.
ટીડો : અરેરે ! મારો આ રોગ.ને અપંગ શરીર – ક્યાંથી ભાગી શકે ? હવે શું થશે નીમુ ?
નિર્મળા : બારણાં ને સાંકળ ચડાવી દઉં ?
ટીડો : એમાં શું વળે ? બારણું તોડી નાખશે અને એનાજ લાકડાથી મને મારી નાંખશે ..
નિર્મળા :(બારી બહાર જોઇને) પણ દાદા, એ લોકો ગુસ્સામાં હોય તેમ લાગતું નથી – બધા હસે છે ,
(ફરી બહારથી હસવા નો અને વાતચીત નો અવાજ)
ટીડો : એમ… હસે છે? ….હસે છે? શ્રી ક્ર્ષ્ણ શરણ્ મમ્ …
નિર્મળા : હા, અને ઓલ્યો માસ્તરતો ખૂબ જ હસે છે…..પેટ પકડી ને…..
ટીડો :ઇ ભારે થઈ….. શું યે ધાર્યું હશે ઈ લોકોએ ?
નિર્મળા :ને ઓલ્યા હાથમાં કાંક છે.
ટીડો: શું છે?
નિર્મળા: :ડાયા કાછિયાના હાથમાં એક લાકડાની વળી છે.
:ટીડો : (ગભરાયને) વળી ?
નિર્મળા: અને ચુનીલાલ મોદી નાં હાથમાં સીંદરી છે.
ટીડો : શ્રી ક્ર્ષ્ણ શરણ્ મમ્ …શ્રી ક્ર્ષ્ણ….આ કાંઈ સમજાતું નથી……બેટા નિમુ ….. કાંઈ સમજાતું નથી…
નિર્મળા: (બારી પાસેથી પાછા આવતાં) બોલોમાં……એ લોકો આવ્યા
ટીડો : (ખાટલામાં ગોઠવાતા) આપણે તો કઈ બન્યું જ નથી તેમ રાખશું . જો તો બેટા મારી ટોપી તો બરાબર છે ને?
નિર્મળા: હા …..આ ચશ્માં પહેરી રાખવા છે કે કાઢી નાખવાં છે?
ટીડો : વખતે ને કોઈ લાકડીનો ઘા કરી બેસે તો ફૂટી જાય, એટલે કાઢી નાખ્યાં જ સારાં, અને જો નિમુ , આ પૈસા તું રાખ અને સંતાડી દે .એટલે એ બધું ઉપાડી જાય તોય એતો બચી જશે.
(એક પછી એક બધા આવે છે, આગળ મથુર માસ્તર, પછી શિવરામ ટપાલી, ચુનીલાલ મોદી, મોહન પટેલ, લાલજી લુહાણો, ડાયો કાછિયો અને જમાલ એકાવાળો – બધા પોતાના ધંધાને અનુરૂપ કપડા માં છે અને ખભે ફાળીયુ છે, એક જમણા હાથમાં વળી અને બીજાના હાથ માં સીંદરી છે. આભડવા આવ્યા હોઈ તેમ ઉભડક બેસે છે. વળી અને સીંદરી, ટીડાજોશી જોઈ શકે તેમ તેમના ખાટલાની બાજુ માં મૂકે છે. ટીડાજોશી અને નિર્મળા ખાટલા પર જાણે તેમને કોઈ એ જોયા નથી તેમ બેસી રહે છે.)
ચુનીલાલ મોદી : (નિસાસો નાખતાં) માણસ બહુ સારો, બિચારી એની દીકરી – આશરા વગરની થઇ ગઈ ! દાદો તો સાત ભવ તરી ગયો, કેમ માસ્તર સાહેબ?
મથુર માસ્તર: કેવો વિદ્વાન? અને જોશ જોવામાં તો એનો જોટો જડવો મુશ્કેલ….અરે પોતાનો અંત:કાળ એણે આઠ દિ પહેલાં કહી દીધો હતો.
ડાયો કાછિયો: અરે હજી હમણાં જ એટલે કે આ ગયે બુધવારે, આજ ટાણે, કેવી હસી હસી ને આપણી સાથે વાતો કરી હતી. અને આજ …અત્યારે ઈજ ટાણું છે ત્યારે ઈ હાજર નથી. એનું નામ જ દૈવ……એની ગતિ અકળ છે.
મોહન પટેલ: ઈ દૈવની ગતિ પારખવા વાળો હતો . આપણાં ગામે તેને ખોયો.
જમાલ: અલ્લા અલ્લા કરો. એક રીતે તો બચારો આ જંજાળ માંથી છૂટ્યો, અપંગ હતો, પણ મને તો દયા એની દીકરીની આવેછે .
ટીડો : (નિમુ તરફ જોઈ) આ બધા શું બોલેછે?
નિર્મળા : (નાક પર આંગળી ધરી) ……ચૂપ……ચૂપ…..
શિવરામ ટપાલી: એ ને અત્યારે તો જોશીબાપાને લેવા વેમાન આવ્યું હશે, ફૂલોના હાર ગાળામાં રહી ગયા હશે, અપ્સરાઓ વીંઝણા ઢોળતી હશે ને જાતા હશે હાલ્યા …..આમ સરગાપુરી ને માર્ગે
નાનજી લુહાણો: વળી હાથ માં કરતાલ રહી હશે ને ગાતા હશે ભજન કઈ ભાતના .
ચુનીલાલ: ને વેમાનને ઘોડા જોડયા હશે…..ને એનાં મોં માંથી ફીણ નીકળતા હશે ..
જમાલ એકાવાળો: સાંભળો…હવેતો ભજન પણ સંભળાય છે.
(બધા સાંભળતા હોય તેમ મૂંગા થઇ જાય છે)
નિર્મળા : (ટીડા ને) આ આપણને એ લોકોએ ભાળ્યા નથી કે પછી કોઈ મશ્કરી કરેછે?
ટીડો: (વિવ્હળ થતાં) એ બધા કોની વાત કરે છે?
નિર્મળા : મને લાગે છે કે વાત તો તમારી જ ચાલે છે.
માસ્તર: આ નિમુ કોની સાથે બોલતી હશે?
શિવરામ: ભૂત સાથે બોલાતી હશે, બીજું તો કોણ છે ?
ટીડો: નિમુ , જાને એ લોકો સાથે વાત કરતો…
નિર્મળા : તમે જરા મૂંગા રહોને!
માસ્તર: આપણે ટીડાભાઈ નાં મરસિયા ગાવા જોઈએ
મોહન પટેલ: આવા માણસ નાં મરસિયા નહી ગાઈએ તો કોના ગાશું ?
ટીડો: અરે ભાઈઓ મારું જરા સાંભળશો?
ડાયો: મેં કાછીયાવાડ માં અને પટેલે બધી કણબણો ને કહેવરાવી દીધું છે, હમણાજ બધી આવશે.
માસ્તર: ઓલ્યા રૂપસંગ ચારણ ને મેં કેવરાવ્યું છે, હમણાં મરસિયા બનાવીને મોકલશે, આંખ માંથી પાણી વહ્યા જાય એવા.
ટીડો: નિમુ, હવે તો હદ થાય છે, આ ઠીક નથી કહેવાતું – તું એ લોકો જોડે વાત તો કર.
નિર્મળા : માસ્તર સાહેબ તમારા બધા માટે કાંઈ પાણી બાણી લાવું?
માસ્તર: ના ના નિર્મળાબેન, અમે બધા ઘેર થી નાહી ને જ આવ્યા છીએ.
જમાલ: બેટી, તારે માથે તો આભ તૂટી પડ્યું .
ચુનીલાલ: મુંઝાય તો મારે ઘરે ચાલી આવજે, તારી કાકી તને મુંઝાવા નહીં દે.
નિર્મળા : પણ તમને બધાને આ થઇ શું ગયું છે?
નાનજી: બાકી દીકરી છે બહાદુર, જરાય રોતી નથી !
જમાલ: મૈયત પાસે આમ એકલી બેસતાં ડરતી પણ નથી!
નિર્મળા : (ગુસ્સે થતાં) હવે બહુ થયું. રહેવા દો તો સારું .
મોહન: કશુંય નહીં રહેવા દઈએ. તમારા રીત રિવાજ મુજબ જ બધું થશે. જો ખાંપણ પણ તૈયાર છે.
ટીડો : પણ હું કાંઈ મરી નથી ગયો .
શિવરામ: (જરા મોટેથી) સાંભળો તો, એ કશુંક બોલે છે.
જમાલ: શું બોલે છે?
શિવરામ: તમે જોયું નહીં ? એણે એનો જમણો હાથ ઊંચો કર્યો અને પોતાનું જ ભવિષ્ય ભાખ્યું કે મંગળવાર સવાર પહેલાં તો ઈ હતો ન હતો થઇ જાશે !
ટીડો : (થોડો ગુસ્સામાં) ઈ તો મેં આ મથુર ટારડા ને કીધુંતું, ઈ મરી જાશે…..હું નહીં.
નિર્મળા : (ટીડાને) પણ મૂંગા રહોને ! શું કરે છે એતો જુઓ.
માસ્તર: ને શું એની વાણી ! રસ ચુવે ને ટીપાં પડે!
ચુનીલાલ: હું તો કોઈ દિવસ ભૂલીશ નહીં. છાતી યે કેવી ! પોતાનું મરણું આમ કહી દેવું કાંઈ સહેલું છે? બસ, કહે કે હું મરી જઈશ….ને મરી ગયો !
ટીડો : પણ હું મરી નથી ગ્યો.
નાનજી: અત્યારે તો ઈ અપ્સરાઓ જોડે વાતો કરતા હશે!
ટીડો : સાલા લવાણા, તને અપ્સરાઓ ની શી ખબર?
(બધા એક પછી ઊભાથઈ ટીડા નાં ખાટલા તરફ ડગ માંડે છે)
શિવરામ: બેન મૂંઝાઈશ માં. મસાણે પહોંચાડવા માં અમે બધાય મદદ કરશું .
જમાલ: હિમ્મતે મડદા તો મદદૅ ઉપાડનારા..
ડાયો : ચાલો ભાઈઓ, ખાંપણ બાપણ બધું લેતા આવ્યા છીએ.
શિવરામ: પંદર મણ થી એક લાકડુંય ઓછું નહીં ચાલે.-
માસ્તર : કાઠું મોટું ખરું ને ! ચાલો બાંધો ત્યારે અને પહોંચાડી દઈએ જોશીરાજ ને મસાણે…
ટીડો : મને ? મસાણે ?
નિર્મળા : હવે બહુ થયું ! મશ્કરીનીયે હદ હોઈ છે…..જો જો પાછું આકરું….
જમાલ: (નિર્મળાની વાત કાપતાં) બેટી નિમુ, ગમે તેટલું આકરું પડેને તો પણ લાશને દફનાવ્યા વિના કાંઈ રહેવા દેવાય?
ડાયો: આપણે વળી અને સીંદરી લાવ્યા છીએ ને?
(બધા ઊભાથઈ ટીડાજોશી ની પથારી આસપાસ ઊભા રહે છે)
નાનજી : ઓ….ટીડા જોશી રે ..(પોક મૂકે છે)
ટીડો : ચાલો ભાઈઓ, હવે મશ્કરી પુરી થઇ. આપણે બધા ચા પીએ …નિમુ હમણાંજ બનાવી લાવશે .
માસ્તર :(ટીડાના શરીરને ઉપાડવાનો પ્રયત્ન કરતા) જોજો હો ભાઈઓ હળવેથી ઉપાડજો, વજન બહુજ છે.
નાનજી : હા, પડીજાય તો અપશુકન થાય, ચાલો ઉપાડો ત્યારે…
(બધાય ઉપાડવાનો પ્રયત્ન કરેછે)
ટીડો : (વિહ્વળ થતાં) અરે નિમુ ! …
નિર્મળા : દાદા, હું ચા બનાવી ને લાવું છું.સાથે સાથે પોઇના પાંદડાં છે તે થોડાંક બટેટાં અને પોઇ નાં ભજીયાં પણ બનાવી લાવું છું.
(બધા ટીડા ને ખાંપણ બાંધવા અને ઉપાડવા પ્રયત્નમાં છે)
જમાલ: એને ભજીયાં બહુ ભાવતાં એમને? તો આની સાથે થોડાં મૂકવા જોશે.
ટીડો : (એક દમ ટટ્ટાર બેસતા, મોટેથી ) અરે ભજીયાં ગ્યાં ઘેર! અરે નિમુ, જરા પેલી મારી ચોપડી આપજે તો….
(બધા પહેલાં ટીંડા ની સામે પછી ચોપડી તરફ અને ત્યારબાદ એકબીજા સામું જોતાં સરકીને પોતપોતાની જગાએ જવા માંડેછે, નિર્મળા ચોપડી ટીડાના હાથ માં મુકેછે )
નાનજી : અરે નિમુ, તું ચા બનાવતી હતીને ? ચા મળે તો બહુ સારું.
ડાયો : મને તો ભજીયાં બહુ ભાવે છે.
ચુનીલાલ: એ પણ નિમુ ના હાથનાં ! એવાં તો સરસ બનાવેછે……
ટીડો : (પહેલાની જેમ સ્વસ્થતા થી ખાટલા પર અઢેલી ને બેઠો છે હાથ ચોપડીછે અને ગમ્ભીર અવાજમાં) ) શ્રવણ કરો….હે ગ્રામવાસીઓ……અત્યારે તમારી સમક્ષ અને આજુબાજુ જ્યોતિષી ટીડાશંકર નો આત્મા ફરી રહ્યો છે અને કરીરહ્યો છે પ્રવર્ચન સ્વર્ગ માંથી – કે જ્યાં ચાર ધવલ અશ્વ જોડેલો સુવર્ણ રથ તેને વૈકુંઠ નાં માર્ગે પ્રતિ પ્રસ્થાન કરાવેછે, (બધા ગભરાયને પોત પોતાની જગ્યાએ બેસી જાય છે) તે અશ્વોનાં મોં માંથી શ્વેતફીણ ના ગોટા ઉડે છે – અને તેની ખરી માંથી તારા, ગ્રહો અને નક્ષત્રો ઝરે છે. અપ્સરાઓ નૃત્ય કરેછે અને ગાંધર્વો ગીત ગાય છે. હે પૃથ્વી વાસીઓ ! સંભળાય છે તમને?
માસ્તર : (ટીડાની અવગણના કરતાં) અરે નિમુબેન, જરા ઉતાવળ રાખજે, મારાથી ઝાઝીવાર નહીં બેસાય.
ટીડો : ને ઓ મારી ચિરંજીવી પૌત્રી ! તને મારો આદેશ છે કે આ મકાનનો દરવાજો બંધ કરી, તેને લોહની સાંકળ ચડાવી, એને એક અલ્પ તાળું લગાવી તેની ચાવી, તારી આગળ પડેલા મૃત દેહના જમણાં હાથમાં દીક્ષિત કર (નિમુ સૂચના મુજબ કરેછે)
ડાયો: અરે આ છોકરી તાળું શું કામ દે છે?
ચુનીલાલ: એલા પટેલ – એને રોક.
મોહન: નિર્મળાબેન, તમે શું લેવાને મહેનત કરો છો? મને આપો, મારે તો જાવુ જ છે. (ઉભો થતા) હજી તો બળદને નીરણ કરવાની બાકી છે.
માસ્તર: જાવાનું નથી મોહનાં, આપણે બધાયે સાથે જ રહેવાનું છે.
ડાયો: એમતો કંઈ જવાય પટેલ? બધા આવ્યા છીએ તો છેલ્લી ક્રિયા થઈ જાય ત્યાં સુધી તો રોકાવું જોઈએ ને?
જમાલ: ડાયોભાઈ સાચું કહેછે। (દરમ્યાન નિમુ તાળું દઈ ચાવી જોશી નાં હાથમાં આપેછે, જે જોઈને બધાના મોઢા પર મુંઝવણ પથરાય છે.)
નિર્મળા: હવે નિરાંતે બેસો, હું હમણાં જ ચા લાવું છું. (જાય છે)
નાનજી: બેઠા તો છીએ જ, પણ મરાથી વધુવાર ખોટી નહીં થવાય, હોં।
ડાયો: (વિષય બદલવાનો પ્રયત્ન કરતાં) હેં મોહન પટેલ ! આ સુધારાવાળા ની પાટોની હરાજી થવાની છે, તેમાં તું જવાનો છે?
ટીડો : જીવતો હતો ત્યારે ઘણો વિદ્વાન હતો; પણ હવે તો તે વધારે વિદ્વાન થયો છે. તેનું શરીર પૃથ્વી પર હતું હવે જ્યારે પોતના ગામ ના લોકોની યથાશક્તિ સેવા બજાવતો હતો ત્યારે તે જે જાણતો હતો તેનાં કરતાં તેનું જ્ઞાન પ્રચંડ રીતે વધી ગયું છે. કારણ કે આજે એ તમારા હૃદયની બધી વાતો તે જુએ છે . તમારી બધી ખાનગી વાતો તે જાણે છે. એ ખાનગી વાતો બહાર આવે તો શું થાય તમારું? એ છુપાવવા માટે તો તમે તમારાં માથાં ડૂલ કરવા તૈયાર થશો? (ચોપડી બાજુમાં મૂકે છે)
જમાલ : (નિમુ ગઈ છે તે તરફ જોતાં) અરે બેટી ! બટેટાં સમારવા લે આ છરી. ચાલને હું જ સમારી આપું.(જવા ઉભો થાય છે)
નાનાજી: ચાલો, હું પ્યાલા રકાબી અભરાઈએથી ઉતારી આપું.(ઉભો થાય છે)
ટીડો : તમે જાણોછો ચુનીલાલ મોદી ? (સાંભળવા માટે જમાલ અને નાનજી પાછા બેસી જાય છે) તે દિવસે તમારી દુકાનમાંથી શેર ઘી અને સવા રૂપિયો કોણ ઉપાડી ગયું હતું? (મોદી માથું ધુણાવી ના કહેછે) એ શેર ઘી આ મોહનનાં પેટમાં ચળકતું જોઉં છું. અને….અને તેને જે આ ટોપી પહેરી છે તે સવા રૂપિયાની જ છે.
(ચુનીલાલ મોદી મોહન પટેલ તરફ કરડી નજરે જુએ છે)
મોહન: નરાતાળ જુઠ્ઠું ! મેં ચોરી નથી કરી. કહોતો સોગંદ ખાઉં.
માસ્તર: અરે મોહન…..ભૂલી ગયો ? આપણે શા માટે અહીં આવ્યા છીએ તે?
મોહન: (છંછેડાઈ ને) ઈ બધું ગયું ઘેર…મારી જેવા પર આળ ?
શિવરામ: મોહનભાઇ, થોડા ઠંડા પડો. તમે શુકામ માથે ઓઢો છો? તમને કોણ આંગળી ચીંધે છે ? તમને કોઈ કાંઈ કહેતું નથી.
મોહન: (ગુસ્સામાં) નથી કેમ? આ આણે હમણાં જ કીધું નહીં?
નાનજી : મેં તો કાંઈ સાંભળ્યું નથી.
ડાયો : હવે ગરબડ છોડો. આવું મરણ થઇ ગયું છે એ તમારે મન પતાસા વહેંચવા બરાબર હશે! તમને કાંઈ સમજણ છે કે નહીં?
મોહન: તો આ મોદી મારી સામું તાક્યા કેમ કરે છે?
ચુનીલાલ: હું તો વિચારતો હતો કે……
ટીડો : શ્રીમાન ચુનીલાલ મોદી, આ ઉંમરે તો જરા પાપ કરતાં અટકો ! ધૂળ પડી તમારા ધોળા માં….ત્રણ રાત પહેલાં આ નાનજીનાં નાનાભાઈને જુગાર રમવા તમે ઘરમાં નોતો ઘાલ્યો? અને બિચારો નાનજી એમ સમજતો હતો કે એનો ભાઈ રાતપાળી એ ગયો છે.
શિવરામ : સાંભળશો માં …..એની વાતને ધ્યાન માં ન લેશો..ભાઈ નાનજી તું ધીરજ રાખ.
જમાલ: હમણાં રાતપાળી ચાલે છે જ ક્યાં?
નાનજી: સાલા ચુનિયા! મને વહેમતો હતોજ, અહીંથી બહાર નીકળ એટલી વાર છે. ટાલ પાડી નાખું નહીં તો મારુ નામ નાનજી લવાણો નહીં.
માસ્તર : શું ધાર્યું છે તમે બધાએ? તમે અંદરો અંદર લડો છો એમાં સામા ને હસવું આવેછે,.
ચુનીલાલ: એ ય લવાણા – આ તને કહી દઉં છું કે આ તારી જીભને કાબુમાં રાખજે, નહીં તો ચામડાની છે તો કાપી ને જોડા ની હગ્તળી બનાવી દઇશ… સમજ્યો ! તારો ભાઈ એવો નાનો કીકલો છે તે હું કહું તેમ કરે ? અને બીજા મરી ગ્યાતા તે એવા ડુંગળીખાઉ ને હું ઘરમાં ઘાલું ?
નાનજી : અરે તારા મોઢામાં ડુંગળી નું નામ શોભતું નથી. તું તો છે સાલા કાળાબજારિયો, ડુંગળીના જ કાળાબજાર કરે છે.
ડાયો: અરે શાંત પદો ભાઈઓ…..આમ અંદર અંદર ઝગડયે દુશ્મન બળવાન થતો જાય છે.
મોહન: ના….ના ડાયાભાઇ, આ તો અમારી જેવાનું મોત ઉભું કરાવે.(ટીડાને બતાવીને) આણે કીધું કે મેં ઘી ચોર્યું છે અને તમે બધાએ માની લીધું.
જમાલ: અલ્લા અલ્લા કરો ભાઈ…
ટીડો: આતો ક્ષુદ્ર વાતો છે – ક્ષુદ્ર અને ક્ષુલ્લક, પણ આ તમારા મથુરપ્રસાદ માસ્તરે જે પાપ કર્યું છે તે તો સૌના પાપને ટપી જાય તેવું છે.
નાનજી : હં….હં….હવે કાંક સાંભળવા મળશે ખરું.
માસ્તર : એને વતાવો માં …..એના બોલવા પર ધ્યાન ન આપશો.
મોહન: તો શું કાનમાં પૂમડાં ઘાલીએ માસ્તર ! અમે બધા લ્હાણમાં આવીએ અને તમે કોરા રહો જવા માગો છો ?
માસ્તર : તમે બધા બેવકૂફ છો, આપણે શું નક્કી કરીને આવ્યા હતા તેનો તો વિચાર કરો? આતો બધું જ બગાડે છે.
ટીડો: માસ્તર મથુરાદાસ, તમેતો ગામ નાં સંસ્કારી માણસ ગણાઓ છો. તમારી પાસે પંચાણું રૂપિયા પડયા હતા અને રતિલાલ શેઠ ને ત્યાં સો રૂપિયા નું લહેણું હતું .છતાંય તે દિવસ “પૈસા નથી….પૈસા નથી” એમ કહીને તમે આખા ગામ પાસેથી ઉઘરાણું કર્યું હતું.
શિવરામ: પંચાણું રૂપિયા?
ડાયો: રતિલાલ શેઠ ને ત્યાં સો?
નાનજી : મને વહેમ તો હતો જ…
જમાલ: અલ્લા અલ્લા કરો ભાઈ…..
મોહન: (માસ્તર સામે કડકાઈ થી જોતાં) વાહ રે માસ્તર સા’બ…તમેં પણ ઠીક છો. અમે મજૂરી કરીને તમને ફંડ ભેગુ કરી દીધું ને તમને ગરીબ જાણીને દાણા ભેગા કર્યાં અને તું? સાલ્લા બે બદામના માસ્તર…ટારડુ છો ટારડુ.
માસ્તર: તમે બધા એની વાત ને કાન શું કામ દો છો? એ તમને બધાને બનાવે છે.
મોહન: ઈ તો ભલે ને બનાવે પણ….તેં શું કામ બનાવ્યા?
માસ્તર: જો ટીડાજોશીનું કહેલ બધું તને સાચું લાગતું હોય તો તું પણ ચોર છે, કારણકે એણે તને પણ ચોર કહ્યો છે, તેં આ મોદીની દુકાનેથી ચોરી ને ઘી ખાધું’તું…
મોહન: ધરમના સોગન ચુનીલાલ શેઠ. સાચું કહે જો…..ઈ ચોરી મેં કરી છે? કહી દો કે મેં નથી કરી.
ચુનીલાલ: એમ કેમ કહેવાય ? મેં ક્યાં તારા ઘરની ઝડતી લીધી છે?
માસ્તર: લે સાંભળતો જા….નાક કપાવીને ઘી ખાધું. આ કણબા કીધા એટલે થઈ રહ્યું .
ડાયો: પણ માસ્તર, એણે તો એકની જ ચોરી કરીછે, પણ તમેતો આખા ગામને છેતર્યુ છે.
જમાલ : અલ્લા અલ્લા કરો ભાઈ ….
મોહન: ને આ ચુનીયો તો જુઓ….આવડો મોટો થયો તોયે લખણનો એનો એ રહ્યો, પારકા છોકરાને જુગાર રમાડતાં શરમ ન આવી ? સાલો કાળા બજારિયો નહીતો!
ચુનીલાલ: (મોહન સામે ગુસ્સાથી) હવે ઘી ચોર! હેઠો બેસને – તેં વળી કે’દી જોયુ તું ?
મોહન: મેં જોયું ‘તું એમાં જ કહુ છું.
ચુનીલાલ: સાવ જુઠ્ઠો – બને જ નહીં.
મોહન: એકવાર નહીં પણ ત્રણ ત્રણ વાર મેં મારી સગી આંખે આ નાનજી ના ભાઈને તારા ઘરમાં પેસતાં જોયેલ છે.
નાનજી: હવે સાબિતી મળી ગઈ છે. અહીં થી બહાર નીકળ એટલી જ વાર છે….
જમાલ: પણ ચોરની સાક્ષી શા કામની? એ મોહનતો ચોર છે.
મોહન: (જમાલ પર ગુસ્સે થતા) હવે મિયાં છાનો માનો પડ્યો રે ‘ ને !
જમાલ: તે દિ મેં સગી આંખે ઘી ચોરાતાં ને પૈસા ઉપાડતાં જોયેલો .
ચુનીલાલ: તો તેં મને એ વાત કેમ નો કરી ?
મોહન: ક્યાં થી કરે ? પોતે જ દર શુક્રવારે નમાજ પઢવા આવનારનાં ચંપલ, જોડા ઉઠાવી જતો હોઈ તો ક્યાંથી વાત કરે ?
ડાયો: (મોહન ને) તમે નજરોનજર જોયું છે ?
મોહન: આ મેં પહેર્યાં છે ને ઈ પગરખાં એના જ આપેલાં છે.
જમાલ: (ગુસ્સે થતાં) જુઠ્ઠું…હડહડતું જુઠ્ઠું. હું કોઈ દિવસ એવું કામ કરું જ નહીં .
માસ્તર: તું શું તારો બાપેય એમ કરે.
જમાલ: અરે માસ્તર, તું કયે મોઢે મારો વાંક કાઢ઼છ ? તેં તો આખા ગામને ઠગ્યું છે, છોકરાં ભણાવી ખા…..છોકરાં ..
ડાયો: સાચી વાત છે, એણે આખા ગામ ને ઠગ્યું છે.
શિવરામ : તો એની પાસેથી પૈસા ઓકાવી કાઢવા જોઈએ.
માસ્તર : હવે મૂંગો રે ‘ જે શિવલા, તું ગામ આખાના કાગળો વાંચી જા છ અને મનીઓર્ડરના પૈસા જમી જા છ તે હું જાણું છું.
શિવરામ : જા .. જા હવે ટપાલની તને શી ખબર પડે?
માસ્તર: સાચા કાગળો હોઈ છતાંય પેલી ડોશીઓ પાસેથી “નોટ પેડ છે…નોટ પેડ છે…’ તેમ કહી ને પૈસા લીધા’તા.
ડાયો: શિવલો મોળો નથી એ વાત સાચી, સાવ સાચી છે. મારા ફૈબાએ જાફરાબાદથી આપણી પાંજરાપોળ માટે પૈસા મોકલ્યા’તા – મારા ઉપર…(શિવરામ તરફ ફરીને ગુસ્સાથી) પણ આ સાલો શિવલો વચ્ચેથી જ પૈસા ખાઈ ગયો. ગૌમાતાના પૈસા માંથી પણ ભાગ પડાવે છે.
શિવરામ : (ડાયા ને જવાબ આપતાં) એલા કાછિયા, પાંજરાપોળની વાત મૂકી દે, તું તારી ગાયનું લોહી પીવું બાકી રાખ છ તે પાછો સતો થઇ ને પાંજરાપોળની વાત કર છ ? તેં કદી તારી ગાયને એક ઘાસનો પૂળોય નીર્યો છે?
જમાલ: સાચી વાત છે. એની ઘરની ગાય પાંજરાપોળનું જ ઘાસ ખવરાવે છે. અને પાછો દૂધ પોતે લઇ જાય છે.
શિવરામ : (ડાયાને) આ સાચું છે ને ?
ડાયો: ઈ તો એની બકરી માટે ખડ લેવા આવ્યો ત્યારે મેં ના પડી એટલે ચાડી ખાય છે.
જમાલ: અરે હું તો તારી પરીક્ષા કરતો હતો. બાકી બકરીને બીજે ક્યાં ઘાસ નથી મળતું?
નાનાજી: ભગવાન લેખાં લેશે, આપણે તો નિમિત્ત માત્ર છીએ …સમજ્યાને ડાયાભાઇ?
ડાયો: લેખાં લ્યે નહીં તારાં ? તારાં પાપ ભરવા સારું તો ભગવાને ઘડાને બદલે કોઠી બનાવવી પડશે, ખબર છે બધાને કે તું ગાડાં નાં ગાડાં ભરી ને માલ કાળાબજારમાં મોકલી રહ્યો છે. ને વળી પાછો લેખાં વાત કરે છે?
(નિર્મળા આવે છે)
નિર્મળા: ચા તૈયાર થઇ ગઈ છે.
નાનાજી: (ગુસ્સામાં) આવા નીચ લોકો સાથે હું ચા પીઉં ?
ડાયો: તો કોણ તનેરોકે છે?
(નાનજી જવા ઉભો થાય છે, બધા એક બીજા સામું જુવે છે)
ટીડો : નિમુ ! આ કમાડ ઉઘાડી નાખતો બેટા…આ બધાને જવું હોય તો રોકી થોડા જ રખાશે?
મોહન: (ઉભો થતાં માસ્તરને) આપણે બહુઓ બેઠાં હોં ! કેમ માસ્તર સા’બ?
(દરમ્યાન નિમુએ બારણું ખોલ્યું હોય છે)
માસ્તર: (ગુસ્સામાં) તમે બધાતો રોંચા છો રોંચા ! હું તો ઘરે જાઉં છું, (જાય છે)
મોહન: (ઉભોથઈ બારણાં તરફ જતાં) ઈ માસ્તરને જવા દેશો માં . ઘરમાં પૈસા રાખીને ગામ આખાને લૂંટતો ફરે છે, જો…જો,,,એ નજર બહાર ન જાય. (દોડતો જાય છે)
ચુનીલાલ : (મોહનને જતો જોતાં) આ મોહનો – ક્ણબો – મારા ગલ્લામાંથી પૈસા અને ઘી ચોરી ગયો..એને જરા હાથ બતાવવો પડશે.નાનાજી: (જાય છે)
નાનજી:: (ઉભોથઈ ચુનીલાલ પાછળ જતા ગુસ્સામાં) કેટલેક જવાનો હતો એ ચુનીયો? ગામનાં છોકરાવ ને જુગાર રમતાં કરેછે…..મને સાબિતી મળવા દે પછી વાત છે. (જાય છે)
શિવરામ: (ડાયા તરફ જોતાં ) બધા ચોર અને જુઠ્ઠા છે ડાયાભાઇ ! હું તો પહેલેથીજ કહેતો હતો કે આ જોશીને ઘેર આવવાનું રહેવા દો, પસ્તાશો. અને હવે…પસ્તાવું પડ્યું ને?
ડાયો: (શિવરામ તરફ કડકાઈથી જોતાં) ના….રે…..ના, હું તો અહીં આવ્યો એમાં એક ફાયદો એ થયો કે મને એમ હતું કે શિવરામ ટપાલી બહુ સરસ માણસ છે પણ તુંતો સાવ નાપાક નીકળ્યો. (ઉભો થતાં) તારી પાસે બેસે? (જાય છે)
શિવરામ: (જતા ડાયા તરફ હાથ દેખાડી) પાંજારાપોળનાં પૈસા ખાવા ને પાછો રોફ કેટલો? એની દીકરી નાં લગ્ન હતાં તે દિવસે પાંજારાપોળમાં જ જાનીવાસો રાખ્યો તો. સાલ્લો ગાયનાં મોઢમાંથીએ ખાઈ જાય છે. (જાય છે)
જમાલ: (ઉભો થતાં – નિમુને) જોયું બેટી ! શો કળજુગ આવ્યો છે દુનિયામાં ? આપણું ગામ કેવું સારું હતું, પણ આજે શેતાને દેખા દીધો….અલ્લા અલ્લા કરો ભાઈ…(જાય છે)
ટીડો: (નીરાંત નો શ્વાસ લઇ સરખો બેસતાં) બેટા ચા લાવતો…બહુ થાક લાગ્યો છે.
નિર્મળા: આ લાવી (અંદર જાય છે)
ટીડો: (પ્રેક્ષકો તરફ જોતાં સ્વગત) દુનિયા ઝુકતી હૈ – ઝુકાને વાલા ચાહિયે ..આ બધા લોકો કેવા સારા અને સોજ્જા લગતા હતા ! મારા જેવા અપંગ બુઢ્ઢાની મશ્કરી કરવા આવ્યા. લાજ્યા નહીં હોય? બદમાશ નહીતો…
નિર્મળા: (ચાનો કપ લઇ દાખલ થતાં) હવે બહુ થયું દાદા, તમે એ બદમાશોને પણ ભૂ પાઈ દીધું…..એટલે તમને કેવા સમજવા ?
ટીડો : ગરબડ નહીં, ઓલા પૈસા લાવ તો!
(નિર્મળા આપેછે, કમાડ ખખડે છે અને ડાયો આવેછે)
ટીડો : આવો આવો ડાયાભાઇ, આવો – કહો શું ફરમાન છે?
ડાયો: હું કહેવા આવ્યો છું કે…..મારે તો અહીં આવવું જ નહતું, પણ એ બધા મને ઢસડીને લાવ્યા. તમારી માફી માંગવા આવ્યો છું – મારી ભૂલ થઈ.
ટીડો : તો તેનું પ્રયાશ્ચિત કરો…નીચે બેસો, પલાંઠી વાળો (ડાયો કીધા પ્રમાણે કરેછે), અને બોલો યદ્સ્મરેત પુન્ડરીકા ક્ષમઃ (ડાયો એના બોલવા પ્રમાણે બોલેછે) સભ્યાન્તર સૂચી – હવે સવા બે આના મૂકો…. અને હવે જાવ …..અને આ વળી અને સીંદરી પણ લેતા જજો..

(ડાયો વળી અને સીંદરી લઇ ને બહાર તરફ જાય છે અને પડદો પડે છે)

આ નાટક વિષે:
એક આઇરિશ નાટક પરથી આ નાટકને અસ્સલ કાઠિયાવાડી રંગ માં બાબુભાઈએ લખ્યું છે. 1950ની સાલ માં પહેલી વખત યંગક્લબે ભજવ્યું ત્યારે પ્રેક્ષકોને ઘણું પસંદ પડેલું, તેમાં પણ “ટીડા જોશી” ની ભૂમિકામાં શ્રી નરહરિભાઈ ગુલાબરાય ભટ્ટ અને નિર્મળા તારીખે ડો. નિર્મળાબેન મહેતાનો અભિનય લાજવાબ હતો. જોકે આખી ટીમે સરસ કામ કરેલું.
કલાકારોની આવડત – અભિનય શક્તિ – જાણે એમજ લાગે કે તેઓ આ ભુમિકામાટે જ સર્જાયેલાં છે. પછીતો ઘણી વખત ભજવાયું. શામળદાસ કોલેજ અને ત્યાર બાદ ભોગીલાલ કોમર્સ કોલેજે પણ વાર્ષિક ઉત્સવોમાં મંચસ્થ કરેલું.